ભાણવડ તાબેના કપુરડી ચેક પોસ્ટ વિસ્તારમાં ખંભાળિયા સર્કલના કે.બી. યાજ્ઞિક તથા ભાણવડ પોલીસ સ્ટાફ દ્વારા ચાલી રહેલી વાહન ચેકિંગ કાર્યવાહી અંતર્ગત આ વિસ્તારમાંથી પસાર થતા જીજે-37-ટી-5263 નંબરના આયશર ટ્રકને અટકાવી પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધીને અને હરી-ફરી ન શકે તે રીતે બે ભેંસો લઈ જવામાં આવતી હતી. આટલું જ નહીં, આ મુક પશુ સાથે ક્રુરતા દાખવી અને ટ્રકમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર આ ભેંસોને લઈ જવામાં આવતી હોવા તથા આ માટેના કોઈ આધાર-પુરાવા ન હોવાથી આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા કોળી અજય બાબુભાઈ મકવાણા (ઉ.વ. 28) સામે ગુનો નોંધી કુલ રૂા. 3.20 લાખના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં ખંભાળિયાના નાથા ગોજીયા નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જે સંદર્ભે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના સી.પી.આઈ. ખુશ્બુ યાજ્ઞિક સાથે એ.એસ.આઈ. નાગડાભાઈ રૂડાચ, દુદાભાઈ લુવા, ડી.કે. ભાચકન વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


