કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં રહેતાં આધેડનો પુત્ર યુવતીને ભગાડી ગયાનું મનદુ:ખ રાખી ઘર પાસે બોલાવી લાકડાના ધોકા વડે શરીરે અને પગમાં આડેધડ માર માર્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં રહેતો યુવક તેના ગામમાં રહેતા અશોક માલાની બહેનને ભગાડીને લઇ ગયો હતો. જે બાબતનું મનદુ:ખ રાખી અશોક માલાએ શુક્રવારે સવારના સમયે યશના પિતા નિલેશ નટવરલાલ મકવાણા નામના આધેડને તેના ઘર પાસે બોલાવ્યા હતાં અને તે દરમિયાન લાકડાના ધોકા વડે વાંસાના ભાગે અને પગમાં આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં હેકો વી.વી. છૈયા તથા સ્ટાફે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.