ભારતમાં ઇલેક્ટ્રિક સ્કુટરોમાં અગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના પરિણામે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોને વાહનોમાં કયા કારણોસર આગ લાગી રહી છે તે તપાસ ન થાય ત્યાં સુધી નવા વાહનો લોન્ચ ન કરવા જણાવ્યું છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગ લાગવાના બનાવો અંગે ચર્ચા કરવા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ઉત્પાદકોને આ વાતની જાણ કરવામાં આવી હતી.
ઇલેક્ટ્રિક વાહન કંપનીઓ સાથેની બેઠકમાં, યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સેક્રેટરી ગિરધર અરમાનેએ જણાવ્યું હતું કે જો કોઈ કંપની ખામીયુક્ત વાહનોને પાછા બોલાવવામાં વિલંબ કરે છે અથવા સલામતી ધોરણો સાથે ભૂલ કરે છે, તો તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કંપનીઓને કહેવામાં આવ્યું હતું કે તે એવા વાહનોને બજારમાં ન લો કે જે નિયમો પર ઊભા ન હોય. તેમજ કંપનીઓએ તેમના સ્તરે આગની ઘટનાની તપાસ કરવી જોઈએ. તે જ સમયે, જ્યાં સુધી આગની ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નવા મોડલ બજારમાં લોન્ચ કરવામાં આવશે નહીં.
નીતિન ગડકરીએ કંપનીઓને ખામીયુક્ત વાહનોને પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે દેશમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવતી તમામ કંપનીઓને આગ લાગી હતી તે બેચના તમામ ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સને પરત બોલાવવા કહ્યું છે. ગડકરીના નિર્દેશ બાદ, ઓલા, ઓકિનાવા અને પ્યોર ઈવી જેવી કંપનીઓએ 7000 થી વધુ ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ પાછા બોલાવી લીધા છે અને તપાસ શરૂ કરી છે.