ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાતા ફફડાટ ફેલાયો હતો. પહેલા ભૂકંપની તીવ્રતા 5.8 હોવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આંકડો સુધારીને 5.9 જાહેર કરાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મેલબોર્નથી 200 કિ.મી. અંતરે આવેલું ગ્રામ્ય શહેર મેન્સફિલ્ડ હોવાનું જણાયું હતું. જમીનથી 10 કિ.મી નીચે ધરા ધ્રૂજી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી પરંતુ કેટલીક બહુમાળી બિલ્ડિંગોને નુકસાન થયું હોવાનું જણાયું છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટમાં સાઉથ યારા ખાતે ચેપલ સ્ટ્રીટમાં બિલ્ડિંગોમાંથી ઈંટો નિકળી ગઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મેન્સફિલ્ડના મેયર માર્ક હોલોકોમ્બે જણાવ્યું કે, શહેરમાં કોઈ મોટા નુકસાનની માહિતી તેમને મળી નથી. વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું કે, ભૂકંપથી કોઈને ગંભીર ઈજા થઈ નથી. અગાઉ 2019માં દરિકાંઠાના શહેર બ્રૂમેમાં 6.6નો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. બે વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના પેટાળમાં ફરીથી સળવળાટ થતા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મેલબોર્ન સુધી તેની અસર જોવા મળતા લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી.