કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેલી થાર ગાડીમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.9.30 લાખની કિંમતની 1860 બોટલ દારૂ, બાઈક અને પાંચ મોબાઇલ સહિત રૂા.20.11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.
નવા વર્ષના વધામણા કરવા જામનગર સહિત રાજ્યભરમાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ થઈ રહી છે અને આ ઉજવણી માટે દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોય, જેથી પોલીસ પણ એકટીવ બની ગઈ છે. ત્યારે પીએસઆઈ એચ.વી. પટેલ અને પો.કો. કુલદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે 31 ડિસેમ્બરને અનુલક્ષીને કાલાવડના કોઠા ભાડુકીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં દારૂનું કટીંગ કરાતા સ્થળે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.વી. પટેલ, હેકો વી.જે. જાદવ, બી.એ. જાડેજા, પો.કો. અલ્તાફ સમા, કુલદિપસિંહ જાડેજા, માલદેવસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા, પ્રકાશ બોરીચા સહિતના સ્ટાફે કોઠા ભાડુકિયા ગામની સીમમાં બળભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાના ખેતરમાં રેઈડ કરી હતી.
દરમિયાન પોલીસે ખેતરમાંથી થાર ગાડી મળી આવતા તલાસી લેતા તેમાંથી જુદી જુદી બનાવટની રૂા.9,30,000 ની કિંમતની 1860 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો તથા 10 લાખની કિંમતની થાર તેમજ રૂા.30 હજારની કિંમતનું બાઈક અને 51 હજારની કિંમતના 5 નંગ મોબાઇલ સહિત રૂા.20,11,000 ના મુદ્દામાલ સાથે પોલીસે બળભદ્રસિંહ ઉર્ફે બળુભા પ્રવિણસિંહ જાડેજા અને કુલદિપસિંહ નરેન્દ્રસિંહ જેઠવા નામના બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા રાજકોટના સની રાવત આહિર નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.