જામનગર શહેરના દિગ્વિજ્ય પ્લોટ વિસ્તારમાં પાનની દુકાનમાં નશાકારક ચોકલેટોનું વેચાણ કરાતાં સ્થળે એસઓજીની ટીમે રેઇડ દરમિયાન રૂા. 34305ની કિંમતની 21805 નંગ નશાકારક ચોકલેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં પાનની દુકાનોમાં નશાકારક ચોકલેટોનું વેચાણ કરાતું હોવાની વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, સંદિપ ચુડાસમા, રમેશ ચાવડા તથા રાજેશ મકવાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઇન્સ્પેકટર બી.એન. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ. જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, શેરી નં. 58ના હિંગળાજ ચોકમાં ઉમંગ પાન એન્ડ કોલ્ડ્રિંકસ નામની દુકાનના માલિક ઉમંગ અનિશભાઇ નંદા તથા એ જ વિસ્તારમાં આવેલ પાયલ પાન નામની દુકાનના માલિક ડાડુભાઇ કરશનભાઇ ચંદ્રાવાડીયા પોતાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરે છે. આથી પોલીસ સ્ટાફે બન્ને દુકાનોમાં દરોડો પાડયો હતો અને 445 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ જથ્થો રામશી લાખાભાઇ ગોજિયાએ સપ્લાય કયો હોવાનું જાણવા મળતાં તેના નિવાસસ્થાને દરોડો પાડી ત્યાંથી 21360 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવતાં તે પણ કબજે લેવાયો હતો. આમ પોલીસે કુલ રૂા. 34305ની કિંમતની 21805 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.