દર વર્ષે 24મી ઑગસ્ટે કવિ નર્મદના જન્મ દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. 700 વર્ષથી પણ જૂની અને 8 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્ર્વ ફલક પર છે. એક અંદાજ મુજબ, દુનિયાના 50 કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, દેશનાં 35 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. પૂર્વનાં રાજ્યોમાં પણ ગુજરાતી બોલતા લોકો મળી રહેશે. ગુજરાતી વિશ્ર્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ધી બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં 28મી જાન્યુઆરી, 1797ના રોજ ગુજરાતી ભાષામાં પહેલી જાહેર ખબર છપાઇ હતી. પાકિસ્તાનના કરાંચીમાં અંદાજે 10 લાખ આસપાસ ગુજરાતી બોલતા લોકો વસે છે. કરાચીમાં બે અખબારો ગુજરાતી ભાષામાં પ્રકાશિત પણ થાય છે. ‘વતન’ અને ‘મિલ્લત’ નામનાં બે દૈનિકો દ્વારા માતૃભાષા જીવંત છે એમ તેમનું માનવું છે.
ગુજરાતનાં 4 મોટા શહેરોને બાદ કરતાં સૌથી વધુ ગુજરાતી ભાષા મુંબઇમાં બોલાય છે. 2011ની ગણતરી મુજબ, મુંબઇમાં 15 લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણાવી હતી. ગુજરાત પછી સૌથી વધુ ગુજરાતી મહારાષ્ટ્રમાં બોલાય છે. મહારાષ્ટ્રમાં 24 લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણે છે. અમેરિકામાં ભારતીય ભાષાઓમાં હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે. યુ.કે.માં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ વધારે છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે.