કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતાં યુવાને વ્યાજે લીધેલી રકમ પેટે વ્યાજ સહિત રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર દ્વારા વ્યાજની માંગણી કરી ખોટી રકમનો ચેક ભરી રિટર્ન કરાવી ગાળો કાઢયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડમાં નગર પંચાયતની પાછળ આવેલા કુંભનાથપરામાં રહેતાં અને મજૂરી કરતાં સંજય મનસુખભાઈ વાઘેલા (ઉ.વ.35) નામના યુવાને કાલાવડના કનકસિંહ બનેસિંહ ચૌહાણ પાસેથી ફેબ્રુઆરી 2023 માં રૂા.30 હજાર વ્યાજે લીધા હતાં અને આ રકમનું દર મહિનેે 4500 રૂપિયા વ્યાજ આપી કુલ રૂા.67,500 નું વ્યાજ ચૂકવ્યું હતું તેમજ યુવાનનું બાઇક પણ વ્યાજખોર પાસે ગીરવી હોવા છતાં કનકસિંહએ અવાર-નવાર સંજયને જેમ ફાવે તેમ ગાળો કાઢી વધુ વ્યાજની માંગણી કરી હતી અને સંજયનો બેંક ઓફ બરોડાના ચેકમાં રૂા. 3,68,500 ની ખોટી રકમ ભરી ચેક રિટર્ન કરાવી ગાળો કાઢી હતી. વ્યાજખોર દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને સંજયે આખરે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે.એચ. ગોવાણી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.