અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ આજે સવારથી ભાવીકો માટે રામલલાના દર્શનનો પ્રારંભ કરાતા જ ભારે ભીડ ઉમટી પડી હતી અને આજે પુરા દિવસ રામલલાના દર્શન માટેની લાઈનો ગોઠવાઈ ગઈ છે. ગઈકાલના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોડી રાતથી જ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે મંદિર પરિસરમાં પહોંચવા લાગ્યા હતા અને ભારે ભીડની ધારણા હોવાથી મંદિરની અંદર આરએએફ કમાન્ડોએ મોરચો સંભાળી લીધો હતો.
જો કે આટલી ભીડની આશા પ્રથમ દિવસે ન હતી અને તેના કારણે ભારે ધકકામુકકી પણ સર્જાવાનું શરૂ થઈ ગયું છે જેના કારણે મંદિર પરિસરમાં હાલ વધારાના કમાન્ડોને ગોઠવવાની પણ ફરજ પડી છે. મંદિરની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચેકીંગ અને મોનેટરીંગ બંને સ્થળોએ બેરીકેડ ગોઠવી દેવામાં આવી હતી. આજે રામલલાના દર્શન ખુલતા જ ભારે ભીડને જોઈને મેનેજમેન્ટ માટે રામમંદિરમાં ભીડને કાબુમાં રાખવાનું સૌથી મુશ્કેલ કાર્ય બની રહ્યું છે. લોકો બેરીકેડ કુદીને આગળ વધી રહ્યા છે અને પોલીસ તેમજ મેનેજમેન્ટ લાચાર બનીને જોઈ રહ્યું છે.
દર્શનાર્થીઓને પ્રારંભમાં મોબાઈલ જમા કરાવવાની સૂચના હતી પરંતુ ભારે ભીડને કારણે તે પણ શકય બન્યુ નથી અને પોતાની સાથે લાવેલા મોબાઈલ સહિતના સાધનો સાથે દર્શનાર્થીઓ અંદર જવા લાગ્યા છે. અનેક દર્શનાર્થીઓએ પોતાની સાથે રામલલાને ધરાવવા માટે પ્રસાદ પણ લઈને આવ્યા છે અને તેઓ પણ મંદિરમાં રામલલાની નજીક જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આમ ભવ્ય મંદિરના પ્રારંભના પ્રથમ દિવસે જ બેકાબુ ભીડ સર્જાતા મેનેજમેન્ટ માટે નવો પડકાર ઉભો થયો છે.
આ અગાઉ આજના શેડયુલ મુજબ સવારે 4.30 કલાકે મંગળા આરતી માટે દ્વાર ખુલ્યા હતા અને તેમાં ફકત 30 લોકોને જ હાજરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મંગળા આરતી પુરી થતા જ લોકોની ભીડ સતત વધવા લાગી હતી. દિવસમાં ચાર વખત આરતી થશે અને દરેક આરતી સમયે ભીડને કાબુમાં રાખવાનું મુશ્કેલ બનશે તેવા સંકેત છે.