જામનગર શહેરના અંધાશ્રમ પાછળ આવેલા હનુમાન ચોક વિસ્તારમાં રહેતા મહિલાના ઘરમાં ઈંટ અને પથ્થરના ઘા કરી ઘર સળગાવી નાખવાના બનાવમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે સિકયોરીટી તરીકે ફરજ બજાવતા પ્રૌઢના ઘરે મહિલા સહિતના સાત શખ્સોએ ઘરમાં ઘુસી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી ઘરનો સામાન તોડફોડ કરી નાખ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગરના અંધાશ્રમ પાછળ આવેલા હનુમાન ચોકમાં રહેતાં હકુબા રણજીતસિંહ જાડેજા નામના મહિલાના પુત્ર દિવ્યરાજસિંહ અને આશિષ નાના હતા ત્યારે રમતા રમતા ઝઘડતા હતાં અને આશિષ સાથે નાના મોટા ઝઘડા થતા રહેતાં હતાં. જેથી આશિષ વારસાકીયા અવાર-નવાર દિવ્યરાજસિંહને હેરાન પરેશાન કરતો હતો અને આ જૂના ઝઘડાનો ખાર રાખી આશિષ વારસાકીયા, મહેશ વારસાકીયા અને દિપક ગોહિલ નામના ત્રણ શખ્સોએ મંગળવારે રાત્રિના સમયે દિવ્યરાજસિંહને ગાળો કાઢી તેના ઘરમાં ઈંટો અને પથ્થરના ઘા કરી સામાન સળગાવી નાખ્યો હતો. આ બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
સામાપક્ષે જામનગર શહેરના અંધાશ્રમ પાછળ આવેલા હનુમાન ચોક વિસ્તારમાં રહેતા અને સિકયોરીટી તરીકે ફરજ બજાવતા રાજુભાઇ દેવાભાઇ વારસાકીયા (ઉ.વ.51) નામના પ્રૌઢના ઘરે બુધવારે સવારના 7 વાગ્યાના અરસામાં દિવ્યરાજસિંહ હરપાલસિંહ, હકુબા અને હરપાલસિંહનો ભાઈ તથા ત્રણ અજાણ્યા સહિતના સાત શખસોએ પ્રૌઢના ઘરમાં ઘુસી પ્રૌઢ ઉપર લોખંના પાઈપ અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ પ્રૌઢને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાખોરોએ પ્રૌઢ તથા દિપક ગોહિલનો ઘરનો સામાનની તોડફોડ કરી હતી. સાત શખ્સો દ્વારા ઘરમાં ઘુસી હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી ઘરસામાનમાં તોડફોડ કરી નાખ્યાના બનાવમાં રાજુભાઈની ફરિયાદના આધારે ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી સાત શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.