જામજોધપુર ગામમાં આવેલી સોમનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા હોટલના સંચાલક ગઢવી યુવાનનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી બાજુમાં પડેલી છરી કબજે કરી હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુરના ગામમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો અને અગાઉ હોટલ ચલાવતો સામુભાઇ રણમલભાઇ હરિયાણી (ઉ.વ.32) નામનો ગઢવી યુવાન છેલ્લા દોઢ વર્ષથી ડિપ્રેશનમાં અને ગુમસુમ રહેતો હતો. દરમિયાન રવિવારે સવારે તેના ઘરેથી નિકળી ગયા બાદ તેના ઘરથી થોડે જ દૂર લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં પીઆઇ વાય.જે. વાઘેલા તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતાં અને પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતદેહની બાજુમાંથી મળી આવેલી છરી કબજે કરી હતી. તેમજ મૃતક યુવાનના ગળાના ભાગે છરીનો ઘા ઝિંક્યો હોવાનું પ્રાથમિક તારણમાં જણાયું હતું. ત્યારબાદ પોલીસે મૃતકની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી.
દરમિયાન મૃતકની માતા આલુબેન રણમલભાઇ હરિયાણી સહિતના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યાં પોલીસને મૃતકની માતાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃતક સામુભાઇ ગતરાત્રીના બહારગામથી છરી લઇને આવ્યો હતો અને જે છરી લઇને ઘરેથી નિકળ્યો હતો. પરંતુ તેના ભાઇએ રસ્તામાં રોક્યો હોવા છતાં રોકાયો ન હતો અને બીજા દિવસે રવિવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક છેલ્લા દોઢ માસથી ડિપ્રેશનમાં ગુમસુમ રહેતો હતો. કેમ કે, મૃતકના તથા તેના મોટાભાઇ અને મોટાબહેનના લગ્ન થયા ન હતા. જેથી ત્રણેય ભાઇ-બહેનોના લગ્ન ન થવાની ચિંતા અનુભવતો હતો. જેના કારણે સામુભાઇએ પોતાની જાતે જ ગળાના ભાગે છરીનો ઘા ઝિંકી આત્મહત્યા કર્યાનું ખુલતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.