સમગ્ર દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોનાના બે કઠીન વર્ષ પુરા થઇ ચુક્યા છે. ત્યારે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે “સાંસ્કૃતિક અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ સોમવાર તા. 28 ના રોજ સાંજે સાડા છ વાગ્યે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આ ભવ્ય આયોજનમાં આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી, જાણીતા નાટ્ય લેખક – દિગ્દર્શક નિસર્ગ ત્રીવેદી તથા શિલ્પા ઠાકરે, એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે.
જ્યારે વિષય સાથે જોડાયેલા પસંદગીના ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણને સોંપવામાં આવી છે. જેમાં જુનાગઢના નુપુર કલાવૃન્દ, પોરબંદરના મેર રાસ મંડળ તથા પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મીગ આર્ટ દ્વારા વિવિધ કૃતિઓ રજુ થશે.
કોરોના કાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. સોમવાર તા. 28 માર્ચના રોજ શિવરાજપુર બીચ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કલાકારો રાગીણી પંચાલ અને હિમાંશુ ચૌહાણ તથા જાણીતા કલાકારો ઇશાની દવે તથા હાર્દિક દવે પોતાના સ્વરો રેલાવશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું નામ છે, તેવા જાણીતા લેખિકા તથા વક્તા કાજલ ઓઝા વૈદ્ય પોતાની આગવી શૈલીમાં આઝાદીને લગતી કેટલીક વાતો સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર, દ્વારકા નગરપાલિકા, માહિતી વિભાગ, પોલીસ વિભાગ સહિત જિલ્લાના પ્રાભારી, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોનો સહકાર સાંપડ્યો છે.
આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા આ કાર્યક્રમમાં લોકોને અપીલ કરવામાં આવી છે.