જામનગર શહેરમાં ગોકુલધામ સોસાયટીમાં આવેલા દવાખાનામાં ભાવનગરના તળાજામાં રહેતી યુવતીએ કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં રામટેકરી રોડ પર જૈન ધર્મશાળા સામે રહેતાં ઉન્નતીબેન મહેશભાઈ રાવલ (ઉ.વ.24) નામની યુવતીએ શુક્રવારે બપોરના સમયે જામનગર શહેરમાં દરેડ નજીક આવેલી ગોકુલધામ સોસાયટીમાં ડોકટરના દવાખાનાની ઉપર રૂમમાં કોઇ કારણસર પંખાના હુંકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા એએસઆઈ પી.બી. ગોજિયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા મૃતકના ભાઈ હિરેનના નિવેદનના આધારે તપાસ આરંભી હતી.