જામનગર આહીર સમાજ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિના દિવસે સમૂહ ભોજન સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ, સમૂહભોજન અને દાંડિયા રાસ સહિતના કાર્યક્રમમાં સહભાગી બનવા શહેરના ભાઈઓ-બહેનો અને બાળકો અદમ્ય ઉત્સાહથી જોડાયા હતા. સામાજિક ભાવના વધુ મજબુત બને તે માટે યોજાયેલ રક્ત દાન કેમ્પમાં 351 બોટલ લોહી એકત્ર થયું હતું. સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં શહેરના 15 હજારથી વધુ જ્ઞાતિજનો જોડાયા હતા.
જામનગર આહીર સમાજ અને આહીર યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના દિવસે ઓશવાળ કોલોની સામેના જેએમસી ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કરવામાં આવી, અદમ્ય ઉત્સાહ બતાવી ભાઈઓ બહેનોએ પણ રક્ત દાન કરી 351 બોટલ લોહી આપી અમુલ્ય સમાજ સેવાને જાગૃત કરી હતી. સાંજે વિશાળ ગ્રાઉન્ડમાં જ્ઞાતિ જમણવાર યોજાયું હતું. જેમાં 15 હજારથી વધુ અબાલવૃદ્ધ જ્ઞાતિજનો જોડાયા હતા. મહાપ્રસાદ બાદ સાંજથી ડીજેના તાલે બહેનોએ રાસની રમઝટ બોલાવી, દ્વારકા ખાતે યોજાયેલ ઐતિહાસિક મહારાસની યાદ તાજી કરાવી હતી. બહેનો બાદ ભાઈઓએ રાસ રમી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. વર્ષો પૂર્વે શહેરીકરણ હેઠળ જામનગરમાં સ્થાઈ થયેલ આહીર સમાજના જ્ઞાતિજનો એકબીજાની વધુ નજીક આવે, એકતા વધુ મજબુત બને અને અન્ય સમાજ સાથે તંદુરસ્ત તાલમેલ રહે અને સામાજિક સેવામાં સમાજનો અબાલ વૃદ્ધ વર્ગ જોડાય તે હેતુથી દર વર્ષે ઉતરાણ પર્વમાં સમૂહભોજન સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એમ આયોજક કમિટી વતી આહીર યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું. સામાજિક ઉત્થાન વધુ વેગવાન બને એવા આસય સાથે સતત તેરમાં વર્ષે પરંપરાને સફળતા પુર્વેક જાળવી રાખી આહીર યુવા ગ્રુપના તમામ સભ્યોએ આવતા વર્ષે ફરી કાર્યક્રમના આયોજનનો કોલ આપ્યો હતો. આ કાર્યક્રમ પૂર્વે વિશાળ સમીયાણો, ભોજન, સ્ટેજ, સંચાલન અને ટ્રાફિક નિયમન સહિતની સમિતિઓની રચના કરવામાં આવી હતી. તમામ સમિતિઓમાં જોડાયેલ યુવા ટીમે ખંતપૂર્વક સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, સમાજના વડીલ ભીખુભાઇ વારોતરીયા, મુળુભાઈ કંડોરિયા, એડવોકેટ વી એચ કનારા, આહીર સમાજ પ્રમુખ દેવશીભાઈ પોસ્તરિયા, પ્રવીણભાઈ માડમ, કરશનભાઈ કરમુર, મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન ભારવાડિયા, લીરીબેન માડમ, રચનાબેન નંદાણીયા, અમીતાબેન બંધિયા સહિતના સમાજના રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલ આગેવાનો હાજર રહી સમાજના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા.