ખબર-જામનગર
તાડપત્રી વહેંચવાના નામે તથા રાસાયણિક દવાની એજન્સી આપવાના બહાને અને કોલ સેન્ટર ચલાવી છેતરપિંડી કરતી પાંચ મહિલા સહિત 11 શખ્સોની ટોળકીને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે જૂનાગઢ ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જામનગરના બે ખેડૂતો સાથે છેતરપિંડી કરવાના ઇરાદાથી આરોપીઓેએ સેવન સ્ટાર કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપી ફરિયાદી તથા સાહેદોને સૌપ્રથમ તેમના ઓર્ડર મુજબની તાડપત્રીઓ મોકલી તેમના રોકડા રૂપિયા લઇ તાડપત્રીના બનાવટી બીલ સાચા બીલ તરીકે મોકલી ફરિયાદીનો વિશ્ર્વાસ કેળવી સેવન સ્ટાર કંપનીની રાસાણિક દવાની એજન્સી આપવાના બહાને ફરિયાદી પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં નાયબ પોલીસ અધિક્ષક જે એન ઝાલાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમના પીઆઈ દ્વારા વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
આ તપાસમાં આરોપીના લોકેશન જૂનાગઢ ખાતેના આવતા હોય જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર જામનગર સાયબર ક્રાઈમના હેકો પ્રણવભાઈ વસરા, પો.કો. કારુભાઈ વસરા, દર્શિતભાઈ સિસોદીયા, રાજેશભાઈ પરમાર, રંજનાબેન વાઘ, પુજાબેન ધોળકીયા, એલઆરપીસી વિકીભાઈ ઝાલા સહિતના દ્વારા આરોપીના લોકેશન તપાસી હ્યુમન ઈન્ટેલીજેન્સીની મદદથી બે દિવસ સતત સર્વેલન્સ હાથ ધર્યુ હતું. ત્યારબાદ જૂનાગઢ સિટી બી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. શાહ, પો.કો. વનરાજસિંહ ચુડાસમા, મુકેશભાઈ મકવાણા, પ્રવિણભાઈ વાળા તથા પ્રવિણભાઈ બાબરીયાને સાથે રાખી જૂનાગઢ ખાતે કાર્યરત આરોપીઓનો કોલ સેન્ટર ઝડપી લઇ પરેશ વીનુ વેલાણી, દર્શન દિપક ભટ્ટ, કેવિન ઉર્ફે કાનો ભરત દોશી, મિતેશ નટુ ભેડા, ઈમ્તિયાઝ અનવર જખરાની, રામભાઇ મેરુ વાઢેર, શિતલ, પુજા, શ્રધ્ધા, મનિષા તથા પુનીતા સહિત 11 શખ્સોની ટોળકીને ઝડપી લીધી હતી. તેમજ રેઈડ દરમિયાન 32 મોબાઇલ, 12 ચાર્જર, એક લેપટોપ, 1 પ્રિન્ટર તથા 25 ચોપડા, 3 રજીસ્ટર, 3 ડેટા બેઈઝ ફાઇલ, 3 સ્ટમ્પ તથા ઓફિસ સપ્લાય સહિતનું ફ્રોડ સાહિત્યનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ટોળકીઓએ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરના મોટાપ્રમાણમાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોય, વિવિધ ભોગ બનનારની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.


