ટ્વીટરના કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક ડોર્સીની 5 શબ્દોની એક ટ્વીટની હરાજી થઈ રહી છે. આ ટ્વીટને ખરીદવા માટે 18.2 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી ચુકી છે. હકીકતે તે ડોર્સી દ્વારા કરવામાં આવેલી ટ્વીટર પરની પહેલી પોસ્ટ હતી. 21 માર્ચ, 2006ના રોજ કરવામાં આવેલી આ ટ્વીટમાં તેમણે પોતે ટ્વીટર એકાઉન્ટ તૈયાર કરી રહ્યા છે એમ લખ્યું હતું.
ટ્વીટ વેચતી એક વેબસાઈટ https://v.cent.co/ દ્વારા ડોર્સીની ટ્વીટની હરાજી થઈ રહી છે. તેને ખરીદનાર વ્યક્તિને ડોર્સીના ઓટોગ્રાફ સાથે ટ્વીટનું સર્ટિફિકેટ આપવામાં આવશે.
રવિવાર સવાર સુધીમાં ડોર્સીની ટ્વીટની સૌથી ઉંચી બોલી 18.2 કરોડ રૂપિયા લાગી છે. મલેશિયાની એક કંપની Bridge Oracleના સીઈઓ સીના ઈસ્તવીએ ડોર્સીની ટ્વીટ માટે આટલી ઉંચી રકમ બોલી છે. તેના પહેલા અન્ય એક વ્યક્તિએ ટ્વીટ માટે 14.6 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
ડોર્સીની પહેલી ટ્વીટ ખરીદવાનો મતલબ છે કે ખરીદનાર પાસે તે ટ્વીટનું ડિજિટલ સર્ટિફિકેટ હશે. વર્તમાન સમયમાં વર્ચ્યુઅલ વસ્તુઓના ખરીદ-વેચાણનું ચલન ખૂબ જ વધી ગયું છે. થોડા દિવસો પહેલા 10 સેકન્ડની એક વીડિયો ક્લિપ 48.2 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.
ડોર્સીની ટ્વીટ વેચાઈ ગયા બાદ પણ સોશિયલ મીડિયામાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ ટ્વીટ ક્યાં સુધી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે તે ડોર્સી અને ટ્વીટર નક્કી કરશે.