ભાણવડ તાલુકાના રૂપામોરા ગામમાં વાડીના સેઢે પથ્થર નાખવાની બાબતે બે પરિવાર વચ્ચે સામસામા હુમલા કરી લાકડી તથા પથ્થર વડે ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે રહેતા ચંપાબેન હાજાભાઈ દેવશીભાઈ સોલંકી નામની 23 વર્ષની અપરણિત યુવતી તથા તેમના પરિવારજનો પોતાની ખેતીની જમીનમાં કામ કરતા હતા ત્યારે આ જ વિસ્તારમાં રહેતા અરજણભાઈ આંબાભાઈ નનેરા તથા ગોપાલભાઈ અરજણભાઈ નનેરાએ ફરિયાદી ચંપાબેનના શેઢા પાસે પથ્થરો નાખતા હોવાથી તેમને આમ કરવાની ના કહેતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી ચંપાબેન તથા તેમના ભાઈ હરેશભાઈ ઉપર લાકડી તથા પથ્થરના ઘા વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 323, 324, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે આ જ વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ નનેરા નામના 36 વર્ષના સાગર યુવાને હરીશભાઈ હાજાભાઈ સોલંકી, ઝાઝીબેન હાજાભાઈ સોલંકી તથા હરીશભાઈના બહેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી તથા આરોપીઓની જમીન એક જ શેઢે આવેલી હોય અને ફરિયાદી ગોવિંદભાઈ તથા તેમના પિતા અરજણભાઈ તેમની માલિકીની જમીનમાં પથ્થર મુકતા હોવાથી આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, પથ્થરના છૂટા ઘા મારીને ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે સંદર્ભે ભાણવડ પોલીસે બે મહિલાઓ સહિત ત્રણેય સામે આઈ.પી.સી. કલમ 324, 337, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.