લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા બે યુવાનો એકટીવા બાઈક પર સ્કૂલમાં પુત્રને મળવા માટે જતાં હતાં ત્યારે સોયલ ટોલનાકા નજીક પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતી એકસયુવી કારના ચાલકે એકટીવાને પાછળથી હડફેટે લઇ પછાડી દેતા ચાલક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા કમલેશભાઈ નામના યુવાન યશ જીતેન્દ્ર નંદાસણા સાથે જીજે-10-ડીકે-0256 નંબરના એકટીવા બાઈક પર ધ્રોલ પાસે આવેલી ડેલ્ટા સ્કૂલમાં અભ્યાસ કરતા પુત્રને મળવા માટે જતા હતાં ત્યારે રવિવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા નજીક ધ્રાંગડા ઉંડ કેનાલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-37-બી-7274 નંબરની એકસયુવી કારના ચાલકે એકટીવાને પાછળથી હડફેટે લઇ ઠોકર મારી પછાડી દીધા હતાં. આ અકસ્માતમાં કમલેશભાઇને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ગંભીર ઈજા પહોંચતા કમલેશભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે યશ નંદાસણાને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
બનાવ અંગે યશ પટેલ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને એકસયુવીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.