Monday, December 23, 2024
Homeરાજ્યમેઘપર નજીક કુતરું આડુ ઉતરતા કાર પલ્ટી ખાઇ ગઈ, બે ભાઈઓના મોત

મેઘપર નજીક કુતરું આડુ ઉતરતા કાર પલ્ટી ખાઇ ગઈ, બે ભાઈઓના મોત

જામનગરથી મેઘપર જતા સમયે અકસ્માત : યુવાન તથા મહિલાને સામાન્ય ઈજા : ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરથી મેઘપર ગામ તરફ જતી કારને હોટલ પાસે કૂતરુ આડુ ઉતરતા ચાલકે કુતરાને બચાવવા જતા કાબુ ગુમાવી દેતા કાર ત્રણ પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે ચાલક તથા અન્ય એક યુવાન અને મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવમાં પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર ગામમાં રહેતો ઝાલા પરિવાર સોમવારે બપોરના સમયે જામનગરથી તેના ગામ મેઘપર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ગામ નજીક આવેલી હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-10-સીજી-5238 નંબરની ફોર્ડ ઈકો સ્પોર્ટસ કાર યશરાજસિંહ ઝાલા ચલાવતા હતાં ત્યારે કાર આડે કુતરુ ઉતરતા ચાલકે કુતરાને બચાવવા જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેવાથી કાર રોડ પરથી ઉતરીને ત્રણ પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી જતાં અંદર બેસેલા વ્યકિતઓમાં રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા નામના બન્ને સગા ભાઈઓને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા અને મોહિનીબાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત ચાલક યશરાજસિંહ રઘુવીરસિંહ ઝાલાને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.

અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા નામના બન્ને ભાઈઓના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. અકસ્માતના બનાવની જાણ થતા પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. આ અંગેની પરાક્રમસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા પીઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને યશરાજસિંહ ઝાલા વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા નામના યુવાનને ત્યાં થોડા દિવસ પૂર્વે જ પુત્રનો જન્મ થયો હતો તેમજ મૃતક યુવાનોના કાકા પડાણા ગામના સરપંચ હોવાનું જાણવા મળે છે. ઝાલા પરિવારના યુવાન ભાઈઓના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસ દ્વારા પલ્ટી ખાઈ ગયેલી કાર બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular