જામનગર જિલ્લામાં ગુજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની મોટામાં મોટી જી.જી. હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોરબી, સોમનાથ વગેરે જિલ્લા તથા સૌરાષ્ટ્ર આખામાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા અને ગરીબ દર્દીઓ જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે. જેમાં કેન્સરના વોર્ડમાં રેડિયોથેરાપી તથા કિમોથેરાપી માટે નિષ્ણાંત ડોકટરની જગ્યા ખાલી હતી જેની જાણ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમને થતાં તેમણે તાત્કાલિક રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ સરકાર દ્વારા તાત્કાીલક ધોરણે ડોકટરની નિમણૂંક કરવામાં આવી છે.
જેમાં કેન્સર જેવી ગંભીર જિવલેણ બિમારી માટે રેડિયોથેરાપી (શેક આપવાની) સારવાર તથા કિમોથેરાપી (ડોઝ આપવાની) સારવાર અર્થે આવતાં દર્દીઓને છેલ્લા એક માસ દરમિયાન કેન્સર વિભાગમાં ડોકટર ના હોવાના કારણે હતાશા સાથે અન્ય ખાનગી અથવા તો અમદાવાદ સરકારી કેન્સર હોસ્પિટલમાં જવુ પડતું હતું. આ વાતની જાણકારી ધારાસભ્ય વિક્રમભાઇ માડમને થતાં તેમના દ્વારા રાજ્ય સરકારમાં પત્ર લખી તથા ટેલિફોનિક વાત કરી અને દર્દીઓને ભોગવી પડતી પીડા અંગે રજૂઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે જામનગર શહેરની જી.જી. સરકારી હોસ્પિટલમાં કેન્ન્સર વિભાગમાં ડોકટરની નિમણૂંક થઇ અને દર્દીઓને કેન્સરની બિમારી માટે રેડિયોથેરાપી (શેક આપવાની) સારવાર તથા કિમોથેરાપી (ડોઝ આપવાની) સારવાર સેવાનો લાભ પણ મળતો થઇ ગયો છે.
ધારાસભ્ય વિક્રમ માડમની રજૂઆતની ગંભીરતા સરકાર દ્વારા માન્ય રખાયેલ અને તાત્કાલિક કેન્સર વિભાગમાં ડોકટરની નિમણૂંક થવાથી જામનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કેન્સરની સારવાર અર્થે આવતાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. તેમ ધારાસભ્યની યાદીમાં જણાવાયું છે.