જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં દિવસોના અસહ્ય બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. આ મોસમના પ્રથમ વરસાદમાં જ વીજતંત્રની બેદરકારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજકાંપ મૂકાઇ ગયો હતો અને પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી હતી. જોકે દર વખતે રાબેતામુજબ વરસાદ પડતાની સાથે જ પીજીવીસીએલની પોલ ખુલ્લી જતી હોય છે ત્યારે આજે જામનગર શહેરમાં પડેલા વરસાદ બાદ ગોકુલનગર રડાર રોડ શેરી નં.3 માં આવેલા વીજટ્રાન્સફોર્મરની બાજુમાં વહેલીસવારે એક ગાયનું ખુલ્લા ટ્રાન્સફોર્મરમાં ચોટી જવાથી વીજશોક લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ગાયનું મોત નિપજ્યા બાદ પીજીવીસીએલ તંત્ર કામગીરીમાં લાગી ગયું હતું.