કલ્યાણપુર તાલુકાના સેવક દેવળીયા ગામે ગઈકાલે સોમવારે મુસ્લિમ સમાજના બે પરિવારો વચ્ચે બે વર્ષ પૂર્વે થયેલા ઝઘડા અંગેના મનદુ:ખ બાદ જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં તલવાર, છરી, કુહાડી જેવા હથિયારો વડે જીવલેણ હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસમાં નોંધાયો છે. આ પ્રકરણમાં બંને પક્ષે સામ-સામે કુલ 26 સામે ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામે રહેતા કાસમભાઈ ઉમરભાઈ સમા નામના 50 વર્ષના સંધી મુસ્લિમ આધેડના પરિવાર તેમજ આરોપી પરિવાર વચ્ચે કોઈ બાબતે બે વર્ષ પૂર્વે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મનદુ:ખ રાખી, આરોપી જુસબ ઉમર ઘુઘા, યાસીન હારુન, ઈબ્રાહીમ જુમા, અબ્દુલ મોતી, ઈબ્રાહીમ હાસમ, ઉમર અબા ઘુધા, મામદ ઈસ્માઈલ ઉર્ફે કારી ટીલી, હારુન ગુલમામદ, ઓસમાણ અબા, આમદ રહેમતુલા, નજીર હુસેન, સાહિલ હુસેન, મોતી ગુલમામદ, કાસમ મોતી, હનીફ કાસમ અને ભીખુ ઉમર નામના 16 શખ્સો ગામની જુમા મસ્જિદ પાસે તલવાર, છરી, કુહાડી, લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આ મસ્જિદ પાસે શાક-બકાલુ સુધારી રહેલા ફરિયાદી કાસમભાઈ ઉમરભાઈ સમા તેમજ તેમની સાથે રહેલા સાહેદો સતાર નુરમામદ મોહીન ગફાર વિગેરે ઉપર જીવલેણ હુમલો કરી, મારી નાખવાની કોશિશ કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આમ, આરોપી શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરી, મારી નાખવાની ધમકી આપી, નાસી છૂટતા આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસમાં આઈ.પી.સી. કલમ 307, 326, 323, 143, 147, 148, 149, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમા પક્ષે સેવક દેવળીયા ગામના ઈબ્રાહીમ જુમાભાઈ ઘુઘા (ઉ.વ. 35) એ ગફાર હાસમ સમા, સતાર હાસમ સમા, સતાર નુરમામદ સમા, ગફાર નુરમામદ સમા, ઈકબાલ નુરમામદ સમા, હબીબ અલારખા સમા, આમદ નુરમામદ સમા, કાસમ ઉમર સમા, મોહીન ગફાર અને હુસેન ઉમર સમા નામના 10 શખ્સો સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી પરિવાર તથા આરોપીઓ વચ્ચે આજથી આશરે બે વર્ષ પૂર્વે ઝઘડો થયો હોવાથી આ ઝઘડાનું આરોપીઓ દ્વારા મનદુ:ખ રાખી અને ગઈકાલે સોમવારે ફરિયાદી તથા સાહેદો મોહરમના તહેવારના હિસાબે સેવક દેવળિયાની જુમા મસ્જિદની બાજુમાં ન્યાજનો પ્રસંગ હોવાથી ત્યાં જતા હતા. ત્યારે આરોપીઓએ એકસંપ કરી, તલવાર, છરી, લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કરી, ફરિયાદી ઈબ્રાહીમભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદ કાસમભાઈ મોતી, સાહિલ હુસેન, મોતી ગુલમામદ, વિગેરેને પણ બેફામ માર મારી ઇજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પ્રકરણમાં પણ પોલીસે આઈ.પી.સી. કલમ 307, 326 તેમજ રાયોટીંગ અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે. બનાવ બાદ લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તોને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં તેમજ કેટલાક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ બનતા જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવે નાના એવા સેવક દેવળિયા ગામમાં ભારે ચકચાર જગાવી છે.