Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારકાળમુખા ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ ચગદાઈ જતા બાળકનું મોત

કાળમુખા ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ ચગદાઈ જતા બાળકનું મોત

જુવાનપુર ગામ પાસેનો બનાવ : ટ્રકે બાઇકસવારને હડફેટે લીધા : યુવાન અને બે પુત્રોને ઈજા : સવા બે વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા એક સતવારા યુવાન તેમના બે પુત્રો સાથે માર્ગની એક તરફ ઊભા હતા, ત્યારે પૂરપાટ વેગે આવી રહેલા એક ટ્રકના ચાલકે તેઓને અડફેટે લેતા આ અકસ્માતમાં સવા બે વર્ષના માસુમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ કરુણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રામ મંદિર પાસે રહેતા છગનભાઈ નારણભાઈ હડિયલ નામના 33 વર્ષના સતવારા યુવાન જુવાનપુર ગામના ડિવાઇડર પાસેના રોડ નજીક ઉભા હતા ત્યારે બપોરના આશરે પોણા અગિયારેક વાગ્યાના સમયગાળામાં આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 8945 નંબરના એક ટ્રકના ચાલકે મોટરસાયકલ સાથે છગનભાઈ તેમજ તેમના પુત્રોને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં રસ્તા પર પટકાઈ પડેલા સવા બે વર્ષના માસુમ પુત્ર ધ્રુવ પર તોતિંગ ટ્રકના વ્હીલ ફરી જતા તેને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન માસુમ બાળક ધ્રુવએ અંતિમ શ્વાસ લીધા હતા.

અકસ્માત સર્જી, આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટના સ્થળે મૂકીને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે છગનભાઈ હડીયલની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279 તથા એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે. અકસ્માતના આ બનાવે માસુમ બાળકના પરિવારજનોમાં ઘેરા આક્રંદની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular