જામનગરમાં માર્ગ અને મકાન પેટાવિભાગના ફરજ બજાવી નિવૃત થયેલા વર્ગ-2ના અધિકારી સામે એસીબીની તપાસ દરમિયાન 5.47 કરોડની સંપતિ હોવાનું ખુલતા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં માર્ગ અને મકાન પેટાવિભાગ કચેરીમાં ફરજ બજાવતા ચુનીલાલ પારૂમલ ધારશીયાણીએ તેની ફરજ દરમિયાન સતાનો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચાર આર્ચયાની અરજીના આધારે જામનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આ અધિકારી નિવૃત થયા હતા બાદમાં આ એસીબીની તપાસમાં બેન્ક ખાતાઓ દસ્તાવેજી પુરાવાઓ મેળવવામાં આવ્યા હતા. જેમાં અધિકારીએ 1-4-2006થી 31-3-2015 સુધીના 9 વર્ષના સમય દરમિયાન 1,70,43,218ની રોકડ રકમ જમા કરાવી હતી. અને રૂપિયા 4,96,52,490ની સ્થાવર-જંગમ સંપતિ ખરીદી હતી અને ચેક દ્વારા આ સમય દરમિયાન જ 2,96,70,539ની રકમ ઉપાડી હતી. તેમજ આ અધિકારીએ તેના કાર્યકાળ દરમિયાન રૂપિયા 5,23,41,377ની આવક સામે કુલ ખર્ચ અને રોકાણ તરીકે 10,71,18,147 રૂપિયાની સંપતિ બહાર આવી હતી. જેની આકરણી દરમિયાન એસીબીએ આ ભ્રષ્ટાચારી અધિકારી ચુનીલાલ સામે 5,47,76,770 રૂપિયાની આવક અપ્રમાણ સરની હોવાનું ખુલ્યું હતું. જેથી એસીબીની ટીમે નિવૃત થયેલા અધિકારી વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અધિનીયમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.