દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃત રીતે વેચાતા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપના પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા જિલ્લામાં આયુર્વેદીક સીરપની આડમાં નશાયુક્ત કેફી પીણું વેચતા શખ્સો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસને ટૂંકમાં આપવામાં આવી હતી.
જેને અનુલક્ષીને માર્ગદર્શન આધારે ખંભાળિયા પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા થોડા સમય પૂર્વે ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ન્યુ મોમાઈ પાન નામની દુકાન ધરાવતા કાનાભાઈ ઉર્ફે કલ્પેશ પરબતભાઈ કેશરીયા (ઉ.વ. 24) ના રહેણાંક મકાનમાં દરરોજ પાડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 250 બોટલ કાર્લ મેઘાસવ આસવ આયુર્વેદિક સીરપની રૂપિયા 37,250 ની કિંમતની શંકાસ્પદ નશાકારક એવી 250 બોટલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવી હતી. આ બોટલો તેણે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા નારણ કેશવ જામ (ઉ.વ. 46) પાસેથી લીધી હોવાનું કબુલતા નારણ કેશવ જામના મકાને જડતી તપાસ કરતા ત્યાંથી જુદી જુદી કંપનીની રૂ. 5,43,850 ની કિંમતની નંગ 3,650 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેને અનુલક્ષીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સીરપનો જથ્થો તેણે કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા (હાલ રહે. ભાવનગર) પાસેથી વેચાણ અર્થે લીધો હોવાનું ખુલવા પામ્યું હતું જેને અનુલક્ષીને ખંભાળિયા પોલીસ મથકમાં જરૂરી નોંધ કરવામાં આવી હતી.
આ મળી ઝડપાયેલા શંકાસ્પદ આયુર્વેદીક સીરપની બોટલો વડોદરાની શ્રી આયુર્વેદિક હેલ્થ કેર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું ખુલતા આ બાબતે સંબધિત વિભાગ પાસેથી જરૂરી માહિતી મેળવતા આ ઉપરોક્ત પેઢીના માલિક નિતીન અજીતભાઈ કોટવાણી (રહે. વડોદરા) તથા મિત્તલ કોસ્મેટીક એન્ડ ફાર્મસી નામની પેઢીના માલિક લગધિરસિંહ કાળુભા જાડેજા (રહે. ભાવનગર) હોવાનું ખુલતાં શ્રી આયુર્વેદિક હેલ્થકેર – વડોદરા નામની પેઢીના માલિક નિતીન અજીતભાઈ કોટવાણી દ્વારા ઉપરોકત વિગતે જે બોટલો પકડાયેલ તેવી કોઇ પ્રોડકટ બનાવવા માટે લાઇસન્સ ધરાવતા ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેને અનુલક્ષીને ઉપરોક્ત ચારેય શખ્સો દ્વારા પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા માટે આ પ્રકારે ગુન્હાહિત કાવતરૂ કરીને સીરપ બનાવવા કે વેચાણ કરવા માટે કાયદાકીય નિયત સંસ્થાઓ પાસેથી કોઇ પણ જાતના ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ અંગે પરવાના મેળવ્યા વગર નશો કરવાના હેતુથી વેચાણ કરતા હોવાથી ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 120 (બી), 465, 467, 468, 471 તથા ગુજરાત નશાબંધી અધિનિયમ 1948 ની કલમ 24(એ) તથા 59(એ) નું ઉલ્લંઘન કરી, નશાબંધી અધિનીયમની વિવિધ કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણના આરોપી કાનાભાઈ ઉર્ફે કલ્પેશ પરબતભાઈ કેશરીયાની વિધિવત રીતે અટકાયત કરી આ પ્રકરણના તપાસનીસ અધિકારી ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા ઉપરોક્ત આરોપીને અહીંની અદાલતમાં રજૂ, કરતા નામદાર અદાલતે આ આરોપીને જેલ હવાલે કરવાનું હુકમ કર્યો છે. આટલું જ નહીં આ પ્રકરણમાં બાકીના આરોપીઓ બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.