જામનગર શહેરમાં અંબર સિનેમા રોડ પરથી પસાર થતા બાઈકસવારને પાછળથી આવતી કારના ચાલકે ઠોકર મારતા હડફેટે લેતા યુવાન અને તેની પુત્રી તેમજ માતાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.10 માં રહેતાં અલ્પેશભાઈ મહેશભાઈ કોટડિયા નામનો યુવાન રવિવારે સાંજના સમયે તેના જીજે-10-એકે-9300 નંબરના બાઈક પર તેમના માતા શાન્તાબેન અને નાની દિકરી સાથે અંબર સિનેમા રોડ પર માણેક સેન્ટર પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલી સફેદ કલરની કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈક પરથી પટકાતા યુવાન અને તેની નાની દિકરીને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે બાઈકમાં પાછળ બેસેલા માતા શાન્તાબેન પડી જતાં માથામાં અને કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત માતા-પુત્ર અને બાળકીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ કરાતા હેકો એસ.યુ. જાડેજા તેમજ સ્ટાફે નાશી ગયેલા સફેદ કલરના અજાણ્યા કારચાલકની શોધખોળ માટે તપાસ આરંભી હતી.