જામનગર શહેરના સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતાં વેપારીએ 10 ટકાના વ્યાજે લીધેલા આઠ લાખની રકમ પેટે વ્યાજ સહિત ચૂકવી દીધા હતાં અને વેપારીના મકાનની બેંક લોન બાબતે વિવાદ થતા વ્યાજખોરે ઉઘરાણી કરી ધમકી આપતા વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સેટેલાઈટ પાર્ક શેરી નંબર-5 માં રહેતો અને દરેડ ફેસ-3 માં પાનની દુકાન ચલાવતા ઘનશ્યામભાઈ જમનભાઈ ચોવટીયા (ઉ.વ.42) નામના યુવાને દોઢ વર્ષ પહેલાં ધર્મેશ રાણપરીયા પાસેથી માસિક 10 ટકાના વ્યાજે આઠ લાખની રકમ લીધી હતી અને આ રકમ પેટે રૂા.7,20,000 વ્યાજના અને આઠ લાખ બીજા વ્યાજખોરને ચૂકવી દીધા તેમજ વેપારી યુવાનનું મયુરટાઉનશીપમાં આવેલું મકાન રમેશભાઈ ગોરસીયા દ્વારા વેંચ્યું હતું અને મકાનમાં રૂા.23.31 લાખ બેંકની લોન હોય જે બાબતે વિવાદ થતા ધર્મેશ રાણપરીયાએ વેપારી યુવાન પાસેથી 6 કોરા ચેક લઇ સમાધાન કરાવી અને સમાધાનના છ લાખ રૂપિયા લઇ લીધા હતાં. ઉપરાંત હાલમાં જ વેપારીનો ચેક પરત આપવાના તથા વ્યાજના બાકી રૂપિયા તથા રમેશભાઈ સાથે કરાવેલા સમાધાનના રૂા.30 લાખ રૂપિયાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
વ્યાજખોર દ્વારા રૂા.30 લાખની ઉઘરાણી અને પતાવી દેવાની ધમકીથી ડરી ગયેલા ઘનશ્યામભાઇ ચોવટીયાએ સાંજના સમયે એક સપ્તાહ પૂર્વે મોખાણા ગામમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ એન કે ઝાલા તથા સ્ટાફે ધર્મેશ રાણપરીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.