જામનગર તાલુકાના વીજરખીમાં ફાયરીંગ રેંજ વિસ્તારમાં રવિવારે સવારના સમયે ફાયરીંગ પ્રેકટીસ દરમિયાન રેંજથી બે કિલોમીટર દૂર ખેતરમાં કપાસ વીણતા યુવાનને ગોળી વાગતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વીજરખી ગામમાં આવેલા ફાયરીંગ રેંજ વિસ્તારકમાં અવાર-નવાર ફાયરીંગ પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે. રાબેતા મુજબ રવિવારે સવારે પણ ચેલા એસઆરપી દ્વારા વીજરખીમાં ફાયરીંગ પ્રેક્ટિસ કરાતી હતી તે દરમિયાન એક ગોળી રેંજથી બે કિલો મીટર દૂર ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતા મનસુખભાઈ લોખીલ (ઉ.વ.32) નામના ખેડુત યુવાનના પડખામાં ઘૂસી જતાં ઘવાયો હતો. ત્યારબાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના શરીરમાંથી ગોળી કાઢી લેવામાં આવી હતી અને ત્યારબાદ ખેડૂતની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. આ અંગેની જાણ થતા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ખેડૂતના નિવેનદના આધારે તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ રેંજમાં ફાયરીંગ પ્રેક્ટિસ અવાર-નવાર કરવામાં આવતી હોય છે અને ફાયરીંગ પ્રેક્ટિસ દરમિયાન અબોલ પશુઓ અને ખેતમજૂરોને પણ ઘણી વખત ફાયરીંગની ગોળી વાગી હોવાની ઘટનાઓ બની ગઈ છે. આવી બનતી ઘટનાઓ અટકાવવા માટે આજુબાજુના રહેવાસીઓ દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કલેકટર અને પોલીસવડાને રજૂઆત કરી હતી.