દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે ગત તા.1 ઓકટોબરના રોજ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ ઉપર શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના ગઈકાલે મંગળવારે ચોથા દિવસે વધુ વીસથી વધુ દબાણો ધ્વસ્ત કરાયા છે. જેમાં આશરે 30 થી 35 હજાર ચોરસ ફૂટ જેટલી દબાણગ્રસ્ત સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મંગળવારે રાજકોટ રેન્જ આઇ.જી. તથા જિલ્લા કલેકટરએ ખુલ્લી કરવામાં આવેલી આ જગ્યાઓની ખાસ મુલાકાત લીધી હતી અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ગઈકાલની આઈજી સહિતના અધિકારીઓની મુલાકાત બાદ પણ આજે બુધવારે સવારથી દબાણ દૂર કરવાની કામગીરી જારી રાખવામાં આવી હતી. દેશના પશ્ર્ચિમના છેવાડાના મહત્વના તીર્થધામ બેટ દ્વારકા ખાતે ગત શનિવારથી પોલીસ તંત્ર દ્વારા રેવન્યુ તંત્રને સાથે રાખીને શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડીમોલિશનના મંગળવારે ચોથા દિવસે બેટ દ્વારકાના હનુમાન દાંડી તરફ જતા માર્ગે બાલાપર વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. જેમાં આજે સાંજ સુધીમાં આશરે 22 જેટલા નાના-મોટા બાંધકામ તોડી પડાયા છે. આ ડિમોલિશનમાં કાલે આશરે 35,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પડકારરૂપ કામગીરી માટે રેન્જ આઇ.જી.ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સાથે જિલ્લાના બન્ને ડી.વાય.એસ.પી. તેમજ દ્વારકા અને ખંભાળિયાના પ્રાંત અધિકારીની જહેમતથી એકંદરે શાંતિપૂર્ણ અને બિનવિવાદસ્પદ રીતે દબાણ હટાવ ઝુંબેશ આજે પાંચમા દિવસમાં પ્રવેશી છે. જેમાં રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંગ તથા અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ બોટમાં બેસી અને મંગળવારે બેટ દ્વારકાની ખાસ મુલાકાત લીધી હતી.
સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી ઓપરેશન ડિમોલિશનની કામગીરીનું અધિકારીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું અને આ બાબતે અહીંના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા વિચારણા કરી હતી. સંદીપ સિંગે જિલ્લા પોલીસ વડા તથા રેવન્યુ અને નગરપાલિકા તંત્રની આ કામગીરીને બિરદાવી અને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ચાલતી.
ડ્રગ્ઝ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસની બાજ નજર છે. આંતરિક સુરક્ષા અને દરિયાઈ સુરક્ષાને નજરમાં રાખી અને ગેરકાયદેસર દબાણ અંગે કરાયેલી મોજણી બાદ અહીં કોમર્શિયલ તેમજ રહેણાંક સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આવા બાંધકામ તથા સરકારી જમીન પરના દબાણનો ગેરઉપયોગ થઈ શકે તેવી સંભાવના હોય, આ વિસ્તારમાં તમામ અનઅધિકૃત દબાણો દૂર કર્યા પછી જ આ કામગીરી બંધ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. દ્વારકા જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે બેટ દ્વારકામાં આકાર લઇ રહેલા અને સમગ્ર દેશ માટે મહત્વના એવા સિગ્નેચર બ્રિજ ઉપરાંત આસપાસના વિસ્તારો માટે જોખમ રૂપ ગણાતા દબાણો અંગે સર્વે બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે પોલીસ પ્રશાસન, સ્થાનિક નગરપાલિકા તંત્ર, એસડીએમ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ, ફોરસ્ટ વિભાગ સહિતના સ્ટાફની જહેમતથી આ કામગીરી શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે.
બેટ દ્વારકા ખાતે રેન્જ આઈજીની ઉપસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી. સરકારી તંત્ર દ્વારા મંગળવારે પણ વધુ એક નામચીન શખ્સના આશરે 1500 ફૂટના આલીશાન મકાન પર બુલડોઝર ફેરવી અને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસ દરમિયાન બેટ દ્વારકામાં કુલ 70 જેટલા નાના મોટા દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે. જેમાં આશરે 6 કરોડ જેટલી કિંમતની સવા લાખ ફૂટ જેટલી જગ્યા દબાણ મુક્ત કરવામાં આવી છે. અગાઉની જેમ યાત્રિકો માટે બોટની સર્વિસ બંધ રાખવામાં આવી હતી. પરંતુ જરૂરિયાત મુજબની ચીજ વસ્તુનું આવાગમન થયું હતું. તંત્રની આ કામગીરીને રાજ્યના ગૃહમંત્રીએ પણ ટ્વિટ દ્વારા બિરદાવી છે.