ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં નંદાણા ગામે રહેતા અને ટિકિટ બુકિંગ કામ કરતા રવિરાજસિંહ ગીરવાનસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલી વિઠલાણી હોસ્પિટલની બાજુમાં રહેતા નારણ સામત જામ અને શક્તિ જામ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવી અને બોલાચાલી કરી હતી. અહીં આરોપીઓએ ફરિયાદી રવિરાજસિંહને બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની સાથે અન્ય એક સાહેદને પણ ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પ્રકરણમાં સામા પક્ષે નારણ સામતભાઈ જામ (ઉ.વ. 32) એ નંદાણા ગામના રવિરાજસિંહ વાઢેર અને જામનગરના ગોપાલભાઈ ઉર્ફે મયુરસિંહ જાડેજા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી શ્રી ચામુંડા ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસની બાજુમાં હતા, ત્યારે આરોપીઓએ તેઓ સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ ઢીકા-પાટુનો માર મારી, ઇજાઓ કર્યાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસએ સામા પક્ષે પણ બે શખ્સો સામે અપરાધ નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એલ.વી. જાદવ ચલાવી રહ્યા છે.