જામનગર નજીક ઠેકા ચોકડીથી ખીજડિયા બાયપાસ તરફ જવાના માર્ગ પર સમરસ હોસ્ટેલ સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા ટ્રકચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં શાંતિલાલ ગાંડુલાલ કટેશિયા (ઉ.વ.45) નામના યુવાન ગત તા.26 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે જીજે-10-બીઈ-5065 નંબરના બાઈક પર ઠેબા ચોકડીથી ખીજડિયા બાયપાસ તરફ જવાના માર્ગ પર સમરસ હોસ્ટેલ સામેથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા ટ્રકના ચાલકે યુવાનના બાઇકને ઠોકરે ચડાવી પછાડી દેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક લઇને નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કૌશિક દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.