કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટીયા પાસેથી પસાર થતા બાઈકને બેફીકરાઈથી પૂરઝડપે આવતા ટ્રેકટર ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લા જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામમાં રહેતાં રમેશભાઇ ઉર્ફે તન્ની ડાયાભાઈ ભંડેરી અને લલિતભાઈ કેશુભાઈ પરમાર નામના બન્ને વ્યક્તિઓ મંગળવારે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં લલિતભાઈના જીજે-03-કેએ-1917 નંબરના બાઈક પર ચાવંડીથી કાલાવડ ગામે ઈલેકટ્રીક પમ્પ લેવા જતાં હતાં તે દરમિયાન બન્ને વ્યક્તિઓ કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે કાચા રસ્તા પરથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-ડીએ-6568 નંબરના ટ્રેકટર ટ્રોલની ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રમેશભાઈ ઉર્ફે તન્ની ડાયાભાઈ ભંડેરી (ઉ.વ.50) નામના પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા તથા લલિતભાઈને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં રમેશભાઈ ભંડેરી નામના પ્રૌઢને સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જ્યારે લલિતભાઈને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ એસ.વી. પટેલ તથા સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતક રમેશભાઈના પુત્ર કિશનના નિવેદનના આધારે ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.