કાલાવડ તાલુકાના મછલીવાડ ધોરીમાર્ગ પર સનાળાથી પ્રભુજી પીપળિયા તરફ જવાના માર્ગ પરથી બાઈક પર જતાં વૃધ્ધને પૂરઝડપે આવી રહેલી રાજકોટ પાસીંગની કારે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સનાળા ગામમાં રહેતાં અને ખેતી કરતા હંસરાજભાઈ પાંચાભાઈ ગમઢા (ઉ.વ.76) નામના ખેડૂત વૃધ્ધ શનિવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં તેના જીજે-10-ડીએલ-4158 નંબરના બાઈક પર ઘરેથી વાડી તરફ જતાં હતાં તે દરમિયાન સનાળાથી પ્રભુજી પીપળિયા તરફ જવાના માર્ગ પર પહોંચ્યા ત્યારે કાલાવડ તરફથી પૂરઝડપે આવી રહેલી જીજે-03-સીએ-1090 નંબરની વેગેનાર કારના ચાલકે વૃધ્ધ ખેડૂતના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માતમાં હંસરાજભાઈને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો. ત્યારબાદ વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રાગજીભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ વી એસ પટેલ તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી નાશી ગયેલા રાજકોટ પાસીંગના કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.