દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુરમાં રહેતી અપરિણીત યુવતીને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા માછીમાર યુવાનને માછીમારી કરતા સમયે હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. દ્વારકા નજીક દીવાદાંડી પાસેના દરિયામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડતા પોલીસે તપાસ આરંભી હતી.
કોરોનાકાળ પછી સમગ્ર દેશમાં નાના બાળકોથી લઇને 50 વર્ષ સુધીના યુવાનોમાં હૃદયરોગના ઘાતક હુમલાઓ આવવાની ઘટનાઓ ગંભીર રીતે વધી રહી છે અને આ હુમલાઓમાં મોટાભાગે બાળકો અને યુવાનોનો ભોગ લેવાય છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં નાના બાળકોથી લઇ 45 થી 50 વર્ષ સુધીના યુવાનોને જીવલેણ હૃદયરોગના હુમલા આવવાની ઘટનાઓ વધી ગઇ છે. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે આવેલા હર્ષદપુર ગ્રામ પંચાયતના હાપીવાડી વિસ્તારમાં રહેતાં મીનાબેન વનિતભાઈ નકુમ (ઉ.વ.21) નામની અપરિણીત યુવતી મંગળવારે બપોરના સમયે તેણીના ઘરે હતી તે દરમિયાન એકાએક હૃદયરોગનો ઘાતક હુમલો આવતા યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પિતા વનિતભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ઓખા મંડળમાં આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહીશ એવા નિલેશભાઈ નાનજુભાઈ જાદવ નામના 32 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારના સમયે તેમની ઓખામાં તેમની મહાલક્ષ્મી નામની બોટમાં માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તેમને છાતીમાં દુખાવો પડતાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવા અંગેનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ રાજેશભાઈ રઘુનાથભાઈ ટંડેલ એ ઓખા મરીન પોલીસને કરી છે.
ત્રીજો બનાવ, દરિયામાં કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈપણ રીતે દરિયામાં પડી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેનું પ્રાથમિક કારણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક રહીશ જીતેન્દ્રભાઈ કારડીયા (ઉ.વ. 53) ની નોંધ પરથી દ્વારકા પોલીસે હાલ આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસ શોધવા અંગે આગળની તપાસ પી.એસ.આઈ. રમેશભાઈ રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.