ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં નવી બીમારીએ મોટી મુસીબત સર્જી છે.ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરાઈ છે. માત્ર ગુજરાત જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક રીતે તેના કેસ વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાયકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહામારીનો રાજ્યનો સૌથી મોટો વોર્ડ રાજકોટમાં આવેલ છે. અને તે પણ ફૂલ થવાના આરે છે. માટે આજથી રાજકોટની સમરસમાં 1000 બેડની મ્યુકોરમાઈકોસિસની હોસ્પિટલ ઉભી કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસનો 500 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં હાલ 450 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જયારે 200 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં એડમીટ છે. જેથી સમય જતાં સ્થિતિ કફોડી બની રહી છે. તેથી 1000 બેડની સમરસ હોસ્પિટલને મ્યુકોરમાયકોસિસ હોસ્પિટલ બનાવવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
સ્ટેબલ દર્દીઓને આજે સિવિલ હોસ્પિટલમાંથી સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે. અહીં ઈએનટી ડોક્ટર સતત રાઉન્ડ લેશે અને સારવાર થશે.જો ઓપરેશનની જરૂર પડે તો જ તેમને સિવિલમાં લઈ અવાશે અને ત્યાં સર્જરી કરી પછી પોસ્ટ સર્જરીની સારવાર સિવિલમાં થશે. દાખલ થવાની તમામ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલમાંથી જ થશે સમરસમાં સીધા દાખલ થઈ શકાશે નહીં. સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.