જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે હોલિકા દહન મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઠેક-ઠેકાણે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં અંદાજિત 400થી વધુ સ્થળોએ ગઇકાલે સાંજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા 67 વર્ષથી મોટામાં મોટો હોલિકા દહન મહોત્સવ યોજાઇ છે. જેને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. ગઇકાલે હોળીના દિવસે ત્રણ ટન વજનનું 25 ફૂટ ઉંચુ હોલિકાનું પૂતળુ બનાવી હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરો ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ, પાર્થ જેઠવા, મુકેશભાઇ માતંગ, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમખુભાઇ હિંડોચા, નિલેશભાઇ ઉદાણી, અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક, દિનેશભાઇ મારફતિયા, નિરજભાઇ દત્તાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. શાક માર્કેટ ઉપરાંત શહેરમાં પટેલ કોલોની, રણજીતનગર, ખોડિયાર કોલોની, ગુલાબનગર, નવાગામઘેડ સહિતના વિવિધ વિસ્તારોમાં હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ હોલિકા દહનની પ્રદક્ષિણા ફરી તેમાં ખજૂર, ધાણી, દારીયા હોમી પ્રાર્થના કરી હતી.