ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રાણાભાઈ ભીખાભાઈ સાદીયા નામના યુવાન ગત તા.20-02-2021 ના રોજ ગુમ થયાની જાણ તેણીના પત્ની જશુબેનને ભાણવડ પોલીસને કરી હતી. આ પ્રકરણ અંગે ભાણવડ પોલીસની તપાસમાં આ જ ગામના મગનભાઈ ઉર્ફે મહેશભાઈ મનસુખભાઈ સાદીયાએ મૃતક રાણાભાઈ ભીમાભાઈ સાદીયાનું પોતાના માતા તેમજ ભાભીના દાગીના ભાણવડની એક ગોલ્ડ કંપનીમાં ગીરવે મૂકીને પૈસા ઉપાડ્યા હતા. તે દાગીના છોડાવવા માટે મૃતક રાણાભાઈ કાયમી રીતે પોતાના ગળામાં સોનાનો ચેન પહેરતા તે લૂંટી લેવાના ઇરાદાથી રાણાભાઈને પોતાના ઘરે લઈ જઈ અને પિત્તળના કળસીયા વડે માથાના ભાગે માર મારી, ગળે ટૂંકો આપીને તેમનું મોત નિપજાવી અને સોનાનો ચેન લૂંટી લીધા બાદ મૃતક રાણાભાઈની લાશને આંબરડી ગામે અવાવરૂં કુવામાં ફેંકી દઈને હત્યા નીપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપલ સેશન્સ અદાલતમાં ચાલી જતા આરોપી મગનભાઈ ઉર્ફે મહેશભાઈ મનસુખભાઈ સાદીયાને અદાલતે તકસીરવાન ઠેરવીને હત્યાની કલમ 302 ના ગુનામાં આજીવન કેદ તથા રૂપિયા 10,000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદ તેમજ કલમ 394 ના ગુનામાં 10 વર્ષની સાદી કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ તેમજ આઇપીસી કલમ 201 ના ગુનામાં સાત વર્ષની સાદી કેદ અને રૂ. પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે અહીંના જાણીતા સરકારી વકીલ કમલેશભાઈ સી. દવે રહ્યા હતા.