દેશમાં હોળીની જવાળા પ્રગટે તે પહેલા જ મોંઘવારીની જવાળા પ્રગટી છે. માર્ચ મહિનાની શરુઆતમાં જ સરકારે રાંધણગેસના ભાવમાં વધારો ઝિંકયો છે. આ વધારાના વિરોધમાં દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વિપક્ષે મોંઘવારી સામે ગેસના બાટલા સાથે વિરોધ દર્શાવ્યો છે.
હોળી-ધુળેટીના તહેવાર પૂર્વે સરકારે સામાન્ય લોકોને ગીફટ આપવાના બદલે ડામ આપ્યો હોય તેમ ઘર વપરાશ કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડર ભાવમાં તોતીંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઘર વપરાશનો ગેસ આઠ મહિના પછી મોંઘો કરવામાં આવ્યો છે અને પ્રતિ સિલિન્ડર રૂા.50નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જયારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એક જ ઝાટકે રૂા.350નો તોતીંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે. એક મહિના સુધી રાંધણ ગેસમાં કોઇ ભાવ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને વિપરીતપણે અમુક મહિના દરમ્યાન કોમર્શિયલ વેટ ઓછો કરવામાં આવ્યો હતો
પરંતુ આજે એકાએક ધરખમ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરવપરાશના રાંધણ ગેસને લાગે વળગે છે ત્યાં સુધી 6 જુલાઇ, 2022થી અત્યાર સુધી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા હવે તેમાં રૂા. પ0નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારાના પગલે પાટનગર દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2119.5 થઇ ગયો છે જે અગાઉ 1769 હતો. કોલકતામાં કિંમત 1870થી વધીને 2221.5 થાય છે. જયારે મુંબઇમાં 1721થી વધીને કિંમત 2071.50 થઇ છે. ચેન્નઇમાં 1917નો ભાવ હતો તે વધીને હવે 2267 થયો છે.
દિલ્હીમાં ઘરવપરાશનો રાંધણ ગેસ સિલિન્ડર 1053ના બદલે 1103 થયો છે જયારે આ મુંબઇમાં ભાવ 1102.50 થયો છે. રાંધણ ગેસ સિલિન્ડરમાં રાજય દ્વારા જુદા જુદા ટેકસ દર હોવાના કારણે તમામ રાજયોમાં તેની કિંમત અલગ હોય છે. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ કરતી હોય છે. સરકાર એપીએલ કાર્ડધારકોને 14.ર કિલોના સિલિન્ડર આપે છે અને તેમાં સબસીડીની રકમ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર હેઠળ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. કરન્સી મૂલ્ય ક્રૂડ તેલ, કુદરતી ગેસ સહિતની ચીજોના વૈશ્વીક ભાવના આધારે સબસીડી નકકી કરવામાં આવતી હોય છે.