દેશમાં રેલવેના આધુનિકરણ તથા દેશના આ સૌથી મોટા ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રને પર્યાવરણની દ્રષ્ટિએ પણ પ્રદુષણ રહીત બનાવવા માટે કોલસા- (સ્ટીમ) તથા ડિઝલ આધારીત રેલ્વે એન્જીનના બદલે હવે વિજળીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. હવે તેનાથી પણ આગળ વધી રેલવે હવે ગ્રીન-ફયુલ તરીકે ઓળખતા હાઈડ્રોજન- મારફત ચાલતી ટ્રેનો દોડાવવા તૈયારી કરી રહી છે.
જેમાં આગામી બજેટમાં રેલવેને ખાસ ભંડોળ પણ ફાળવાશે. કેન્દ્રની મોદી સરકાર ફકત બુલેટ ટ્રેન કે તેવી સુપર ફાસ્ટ કેટેગરી જ નહી સામાન્ય વ્યવહારમાં દોડતી ટ્રેનોને પણ વધુ ઝડપી અને આધુનિક બનાવવા વંદેભારત શ્રેણીની ટ્રેનો દોડાવવા લાગી છે. જેમાં આગામી ત્રણ વર્ષમાં 35 હાઈડ્રોજન- ઈંધણ પર દોડતી ટ્રેનો ઉપરાંત 400-500 વંદેભારત ટ્રેન અને 4000 થી વધુ ઓટોમોબાઈલ કેરીયર કોચ અને 58000 થી વધુ આધુનિક વેગન રેલવે સેવામાં દાખલ કરશે. મોદી સરકાર આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં રેલવે માટે રૂા.1.90 લાખ કરોડનો ખાસ બજેટ ટેકો આપશે. જેનો પૂર્ણ ઉપયોગ રેલવેના આધુનિકીકરણમાં થશે. જેમાં ટ્રેન, કોચ, વેગન, રેલવે ટ્રેન, ઈલેકટ્રીફીકેશન અને તબકકાવાર રેલવે 2030 સુધીમાં ઓછામાં ઓછું કાર્બન (પ્રદુષણ) અને ઝીરો પ્રદુષણના લક્ષ્યાંક સુધી લઈ જવાશે. આ માટે રેલવે હવે હાઈડ્રોજન ફયુલ મારફત દોડતી ટ્રેનોના નિર્માણમાં આગળ વધી રહી છે. પ્રારંભમાં ટુંકા અંતરમાં અને જયાં પ્રદુષણ ઘટાડવાની જરૂરિયાત છે તે હિમાલયન ક્ષેત્રમાં આ હાઈડ્રોજન ટ્રેનો દોડશે જે માટે દાજીર્લિંગ, નીલગીરી, કાલકા-સિમલા તથા કાંગરા ખીણ ક્ષેત્રને પસંદ કરવામાં આવ્યા છે અને તે રૂટ પર દોડતી ટ્રેનો ગ્રીન-ટ્રેન તરીકે ઓળખાશે જે જરાપણ પ્રદુષણ છોડશે નહી. આ માટે ઉતરીય રેલવેના વર્કશોપ હાઈડ્રોજન-ફયુલ આધારીત ટ્રેનોના ઉત્પાદનની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેનું ટેસ્ટીંગ હરીયાણાના સોનીપત-જીંદ સેકશનમાં થશે. ઉપરાંત આગામી ત્રણ વર્ષમાં 100 આધુનિક વિસ્ટાકોમ કોચ તૈયાર કરાશે. 1000થી વધુ કોચનું આધુનિકરણ કરવામાં આવશે. આ માટે રૂા.2.7 લાખ કરોડનું ખાસ ભંડોળ પણ ફાળવાયુ છે અને તેમાંથી રૂા.65000 કરોડ વંદે ભારત ટ્રેનના ઉત્પાદન માટે અને તે મારફત 500 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરાશે. ઉપરાંત દોડતી ટ્રેનોમાં માંગની ઘટનાઓમાં હવે કોચમાં પાણી આધારીત માંગ બુઝાવવાની સીસ્ટમ પણ 1000 કોચમાં ફીટ કરાશે.