Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતવિદ્યાર્થીના મોત બાદ જાગી સરકાર, શાળાના સમયમાં ફેરફારનો આદેશ

વિદ્યાર્થીના મોત બાદ જાગી સરકાર, શાળાના સમયમાં ફેરફારનો આદેશ

ઠંડીમાં યુનિફોર્મનો ચુસ્ત અમલ ન કરવા તથા અન્ય ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ

- Advertisement -

રાજકોટની શાળામાં કડકડતી ઠંડી દરમિયાન એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયા બાદ સરકારી તંત્ર જાગ્યું છે અને જિલ્લાઓને પોતાની રીતે શાળાઓનો સમય બદલવા શિક્ષણ વિભાગે સૂચના આપી છે. સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ ડીઈઓ, ડીપીઓ કચેરીને તાકીદે આદેશ આપ્યો છે. આ ઉપરાંત સરકારે આ આદેશનો ભંગ કરનાર પર કાયદેસરના પગલા લેવાની ચીમકી પણ આપી હતી.તે સાથે શાળાઓ તેમના નિશ્ર્ચિત ડ્રેસ કોડ-યુનિફોર્મનો આગ્રહ ન રાખે અને ઠંડી સામે રક્ષણ મળે તે માટે અન્ય સ્વેટર કે ગરમ વસ્ત્ર પહેરી શકે તેની વિદ્યાર્થીઓને છૂટ મળે તે માટે પણ તાકીદ કરી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા દ્વારા રાજકોટની ઘટનામાં વિદ્યાર્થિનીના મૃત્યુને લઇને તેની માતાએ શાળાની બેદરકારી અંગે કરેલા આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું તેનું પ્રાથમિક કારણ હૃદયરોગનો હુમલો હોવાનું બહાર આવ્યું છે. તેમ છતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જે કારણો આવે ત્યાં સુધી કહી શકાય નહીં. રાજ્યની અનેક ખાનગી શાળાઓ તેમના જે સ્વેટર કે ડ્રેસ કોડનો આગ્રહ રાખતી હોવા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે ઠંડીના સમયમાં શાળાઓએ આગ્રહ રાખવો જોઇએ નહીં. બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે જરૂરી છે, ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ આપવી જોઇએ.

- Advertisement -

અમદાવાદ – રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા વહેલી સવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનું સામે આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી ઠંડીના લીધે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે રીતે સવારની સ્કૂલના સમયમાં ફેરફાર કરવા આદેશ કર્યો છે. જે સ્કૂલોમાં સમય ફેરફારની જરૂર જણાતી હોય ત્યાં સ્કૂલોના આચાર્યોએ પોતાની રીતે નિર્ણય લઈ સ્કૂલના સમયમાં ફેરફાર કરવાનો રહેશે. મોટાભાગે ધોરણ-1થી 5ની સવારની સ્કૂલો મોડી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં અમદાવાદમાં પણ સતત પારો 10 ડિગ્રી આસપાસ રહે છે. જેના પગલે વહેલી સવારે શાળાએ જતાં બાળકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે આચાર્ય સંઘ દ્વારા પણ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ વહેલી સવારની સ્કૂલોમાં સમયમાં ફેરફાર કરાય તે માટે માગણી કરી હતી. જેથી વિદ્યાર્થીઓ વહેલી સવારની ઠંડીથી બચી શકે.

- Advertisement -

રજૂઆતના પગલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કાર્યક્ષેત્રમાં આવતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના આચાર્યોને ઉદ્દેશીને પરિપત્ર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, જે સ્કૂલોનો સમય સવારનો હોય તેવી શાળાઓએ હાલ સવારના સમયમાં પડતી ઠંડીના કારણે શાળાના સવારના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં જરૂર જણાય તો ફેરફાર કરવાનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular