જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચાલી રહેલા વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશમાં વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં કટલેરીના વેપારી યુવાને ચાર વ્યાજખોરો વિરૂધ્ધ તથા વિપ્ર યુવાને એક વ્યાજખોર વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાતમાં વ્યાજખોરી દુષણ ડામવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં જિલ્લા અને તાલુકામથકેે પોલીસ દ્વારા લોક દરબાર તથા જનસભાનું આયોજન કરી વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા પ્રજાને વિશ્ર્વાસ આપી અપીલ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂધ્ધ અસંખ્ય ફરિયાદો નોંધાઇ છે. જેમાં જામનગર શહેર અને જિલ્લામાં પણ આઈજી અશોકકુમાર યાદવ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જુદા જુદા સ્થળોેએ લોક દરબાર દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત જામનગર શહેરમાં વધુ બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં સાંઢીયા પુલ પાસે રહેતાં હેમેન્દ્ર મહેશભાઈ મહેતા નામના વિપ્ર યુવાને વર્ષ 2018 માં દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ મોહનભાઈ પટેલ પાસેથી રૂપિયા બે લાખ વ્યાજે લીધા હતાં આ રકમ પેટે આજ દિવસ સુધીમાં ચાર લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં યુવાન પાસેથી વ્યાજખોરે પંજાબ નેશનલ બેંકમાં રૂા.13.75 લાખની મકાનની લોન કરાવી અને આ વેચાણ કરારનો ભંગ અંગેની યુવાન વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. વ્યાજખોર સામેની ફરિયાદમાં પીએસઆઈ એચ.ડી.હીંગોળોજા તથા સ્ટાફે ઘનશ્યામ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, મૂળ રાજકોટના અને હાલ સાધના કોલોનીમાં રહેતાં તથા કટલેરીનો વ્યવસાય કરતા જીતેન્દ્ર ગોપલાણી નામના વેપારી યુવાને જામનગરના સંદિપ શેઠીયા, જયદીપ શેેઠીયા, સુનિલ નાખવા, મનિષ ધીરુભાઈ નાખવા નામના ચાર વ્યાજખોરો પાસેથી જુદા જુદા સમયે 10 ટકા લેખે વ્યાજે રકમ લીધી હતી આ વ્યાજની રકમ અને મૂળ રકમની બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરી જામીનગીરી પેટે યુવાન પાસેથી સહી કરેલા કોરા ચેક પડાવી લીધા હતાં. આ અંગે જિતેન્દ્રના નિવેદનના આધારે હેકો એલ.પી.કેશવાલા તથા સ્ટાફે ચાર વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


