વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસની ભાજપ રાષ્ટ્રીય કારોબારી બેઠકના અંતે પક્ષના નેતાઓને સંબોધન કરતા કહ્યું કે, જે સંકલ્પ કરે છે તે જ ઈતિહાસ રચે છે. 2024ની લોકસભા ચૂંટણીને હવે માત્ર 400 દિવસ જ બાકી રહ્યા છે આપણે દરેક મતદારો સુધી પહોંચવાનું છે અને ઈતિહાસ રચવાનો છે. આપણે સંવેદનશીલતા સાથે સમાજના દરેક વર્ગ સાથે જોડાવાનું છે, પછી ભલે તે આપણને મત આપતો ન હોય. ભાજપની કારોબારી બેઠકના અંતે પક્ષના નેતાઓ અને કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના સંદર્ભમાં વાત કરતાં પક્ષના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, વડાપ્રધાનનું સંબોધન પ્રેરક, દિશાદર્શક અને નવો માર્ગ બતાવનારું હતું. તેમણે કહ્યું કે ભારતનો સુવર્ણ યુગ આવવાનો છે. આપણે સમાજના બધા જ વર્ગો સાથે જોડાવાનું છે.
વિકાસ કાર્યમાં આપણો કણ-કણ લગાવી દેવાનો છે. આપણે ધરતી માનો પોકાર સાંભળવાનો છે. ધરતી માને બચાવવાની છે. 2024ની લોકસભા ચૂંટણી માટે આપણી પાસે માત્ર 400 દિવસ જ બાકી છે. આપણે લોકોની સેવા માટે બધું જ કરી છૂટવાનું છે. આપણે ઈતિહાસ રચવાનો છે.


