ઝારખંડમાં આવેલા જૈન સમુદાયના અત્યંત પવિત્ર તીર્થસ્થાન સમ્મેત શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા યોજના જાહેર કરાતા જબરો વિરોધ થયેલો, જે બાદ આજે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે જાહેરનામુ બહાર પાડ્યું છે અને શિખરજી તીર્થસ્થળ જ રહેશે તેમાં કોઈ બદલાવ નહીં થાય તેવી જાહેરાત કરી છે.
પર્યટન અને ઇકો ટૂરિઝમની એક્ટિવિટી પર રોક લાગશે. જે મામલે મોદી સરકારે વીટો વાપર્યો છે અને પ્રવાસન સ્થળ તરીકેની યોજના પડતી મૂકી છે. આજે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. પત્રકારોને જણાવાયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જાહેરાત કરી છે કે, પારસનાથ પર્વત ક્ષેત્રમાં ડ્રગ્સ અને તમામ નશીલા પદાર્થોનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મનાઈ છે. હોટલ, ટ્રેકિંગ અને નોન-વેજ પર પ્રતિબંધ રહેશે. એક બોર્ડ બનાવાશે જેમાં જેમાં બે લોકો જૈન સમાજના તેમજ સ્થાનિક પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ હશે. કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને જાહેરનામુ બહાર પાડ્યું છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા આ અંગે નિર્દેશ અપાયા છે. પવિત્ર તીર્થસ્થાન સમ્મેત શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે નહિ વિકસાવવામાં આવે. જૈન અગ્રણીઓએ એમ પણ કહ્યું કે, આ મુદ્દે તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ આવી ગયું છે. જેથી જૈનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારનો આભાર માને છે. અગ્રણીઓએ જૈનના તમામ ફિરકા લોકોએ જે એકતા દર્શાવી તે બદલ પણ સૌનો આભાર પ્રગટ કર્યો હતો. આ અંગે મંત્રી ભુપેન્દ્ર યાદવે ટિવટ કરીને પણ માહિતી આપી છે. અન્ય મંત્રીઓએ તેમાં રિટિવટ પણ કર્યું છે.