ખંભાળિયામાં અગાઉ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા એક નિષ્ઠાવાન પોલીસ અધિકારી કે જેઓ તેમના આશરે સાડા ત્રણ દાયકાના ફરજકાળ દરમિયાન પી.એસ.આઈ., પી.આઈ. તથા ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવી અને તેમના કાર્યકાળ દરમિયાન નક્કર અને નમૂનેદાર કામગીરી કરી ચૂક્યા છે, તે નિવૃત્ત પોલીસ અધિકારી કે.એમ. વરૂની રિવોલ્વરનો હથિયાર કરવાનો જુનાગઢના કલેક્ટર તંત્ર દ્વારા રીન્યુ ન કરવામાં આવતા આ સમગ્ર પ્રકરણ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાપાત્ર બન્યું છે. સાથે સાથે હાલના ભ્રષ્ટ તંત્રની આકરી ટીકાઓ પણ થઈ રહી છે.
સનદી નિવૃત્ત અધિકારી રમેશ સવાણીએ કલેકટર કચેરીનો વહીવટ કેવો કથળી ગયો છે, તે અંગે તાજેતરમાં સોશિયલ મીડિયામાં આ અંગેની વિગતો મુકતા લોકોને વિચલિત કરી દીધા છે. નિવૃત પોલીસ અધિકારી કે.એમ. વરૂ ગુજરાતના જુદા-જુદા દસ જિલ્લાઓમાં નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે. સાથે-સાથે લાંચ રૂશ્વત વિભાગમાં પણ કામગીરી કરી છે. ખંભાળિયામાં નોંધાયેલો ટાડાનો પ્રથમ કેસ કે જે સુપ્રીમ સુધી પહોંચ્યો છે, તે હથિયારો તથા રોકડ રકમ સાથેનો આ ટાડા કેસ સમગ્ર ભારતનો પ્રથમ અને મોટો કેસ બની રહ્યો હતો. જેમાં તેમની કામગીરીથી તેઓએ ગુનેગારોને પગ સુધી પરસેવો લાવી દીધો હતો.
આવા અધિકારીના હથિયાર પરવાનાને રિન્યુ કરવા માટે તેમના દ્વારા જુનાગઢ કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે નામંજૂર કરવામાં આવતા સનદી અધિકારી રમેશ સવાણીએ સોશિયલ મીડિયામાં સવાલ કરેલ કે “શું પોલીસ અધિકારી નિવૃત્ત થાય એટલે એના જાનનું જોખમ પૂરું થઈ જાય?” આ બાબતે ભારે ચર્ચા જગાવી છે. નવાઈની બાબતો એ છે કે આ અંગેની સુનાવણી દરમિયાન જિલ્લા કલેકટર તો મૌન રહ્યા, પરંતુ માત્ર એક મિનિટ કરતાં ઓછા સમયમાં કલાર્કે બે-ચાર પ્રશ્ર્નો પૂછી, ચુનાવણી પૂરી કરી અને રીન્યુ અરજી નામંજૂર કરી દીધી હોવાનું કહેવાય છે.
અરજદાર સાથે અનિચ્છનિય બનાવ બન્યો નથી એટલે જરૂર નથી તેવું પણ કહેવાય છે. ખાનગી વ્યક્તિ, વેપારી અને રાજકીય નેતાઓને હથિયારોના લાયસન્સ માટે કરવામાં આવતો “વહીવટ” સમગ્ર રાજ્યમાં ચર્ચાપાત્ર છે. ત્યારે નિષ્ઠાવાન નિવૃત પોલીસ અધિકારીને હથિયારનું લાયસન્સ શા માટે નહીં? આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબતે નિવૃત્ત અધિકારી કે.એમ. વરુ દ્વારા ગૃહ વિભાગમાં પણ અપીલ કરવામાં આવી છે.