કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. જેનો સમયગાળો હજુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જેને કારણે કેન્દ્ર સરકાર પર આશરે બે લાખ કરોડ રૂપિયાનો બોજ આવશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ જાણકારી કેબિનેટની બેઠક બાદ આપી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે તેને હાલ અટકાવવામાં નહીં આવે.
ગોયલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત ચોખા, ઘઉ, અન્ય અનાજ એકથી ત્રણ રૂપિયા કિલોના ભાવે આપે છે. સરકારે નિર્ણય લીધો છે કે આ અનાજ ડિસેમ્બર 2023 સુધી મફત આપવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં આ યોજનાની સમયસીમાને ત્રણ મહિના એટલે કે 31મી ડિસેમ્બર સુધી લંબાવી દીધી હતી. કોરોના મહામારી સમયે ગરીબ લોકોને રાહત પહોંચાડવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 28 મહિનામાં સરકારે ગરીબોને મફત રાશન માટે આશરે 1.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત માર્ચ 2020 દરમિયાન કરાઇ હતી, આ યોજનાનો લાભ દેશના 80 કરોડ ગરીબોને મળે છે. જેમાં બીપીએલ કાર્ડ ધારત પરિવારને દર મહિને પ્રતિ વ્યક્તિ 4 કિલોગ્રામ ઘઉં અને 1 કિલોગ્રામ ચોખા મફત આપવામાં આવે છે. આ યોજનાનો સમયગાળો બાદમાં એક વર્ષ કે છ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો અને હવે ફરી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. અત્યાર સુધી આ યોજનાના સાત તબક્કા પૂર્ણ થઇ ચુક્યા છે, છેલ્લે માર્ચ 2022માં છ મહિના માટે લંબાવવામાં આવી હતી. જે બાદ ત્રણ મહિના માટે અને હવે એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.