દેશમાં બેરોજગારીનું પ્રમાણ ફરી માથું ઊંચકી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. એક તરફ, નોકરી માટે લાયક અને સતત નોકરી કે કામ શોધી રહેલા લોકોની સંખ્યા કે બેરોજગારીનું પ્રમાણ લોકડાઉન પછી પ્રથમ વખત નવ ટકાને પાર જોવા મળી રહી છે તો બીજી તરફ ફરજીયાત બચત અને સંગઠિત ક્ષેત્રનો લાભ મળે એવા નવા કર્મચારીઓની સંખ્યા પણ છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછી જોવા મળી છે.
સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડીયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના અહેવાલ અનુસાર દેશમાં નવેમ્બર મહિનામાં બેરોજગારીનો દર આઠ ટકા હતો જે ઓક્ટોબરમાં 7.77 ટકા હતો. ડિસેમ્બરમાં પણ બેરોજગારી સતત વધી રહી છે અને તા.20 ડિસેમ્બરના રોજ વધી નવ ટકા રહી છે. એપ્રિલ 2020માં કોરોનાની પ્રથમ લહેરમાં દેશભરમાં લોકડાઉનના કારણે બેરોજગારીનો દર 23 ટકાને પાર થઇ ગયો હતો પણ પછી અનલોક દરમિયાન ફરી તે ઘટી 6.5 થી 7.5 ટકા વચ્ચે રહેતો હતો હવે ભારતમાં આ માપદંડ અનુસાર ફરી બેરોજગારી વધી રહી છે. (અનુ. પાના 6 ઉપર)