જામનગરના દ્વારકાધીશ પાર્ક વિસ્તારમાં રહેતા અને માહિતી વિભાગના નિવૃત્ત સહાયક અધિક્ષક વૃધ્ધને તેના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં માહિતી વિભાગમાં સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ ટમુભા જાડેજા (ઉ.વ.60) નામના કર્મચારી હાલમાં જ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતાં. માહિતી વિભાગના જયેન્દ્રસિંહ જાડેજાને ગુરૂવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા હૃદયરોગના હુમલાને કારણે સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર યુવરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી વિભાગના નિવૃત્ત કર્મચારીના નિધનથી માહિતી વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.