ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા અને મૂળ ગોંડલ તાલુકાના મેસપર ગામના વતની એવા એક ગરાસીયા પરિવારના બંધ રહેલા રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, આ મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.56 લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવો અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફ્તારે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં વિનાયક સોસાયટી- 2 વિસ્તારમાં રહેતા અને મૂળ ગોંડલ તાલુકાના મેસપર ગામના વતની તથા ડ્રાઇવિંગ કામ કરતા પથુભા ગગુભા જાડેજા નામના 32 વર્ષના ગરાસીયા યુવાન તેમના પત્ની તથા માતા સાથે ગત તારીખ 26 નવેમ્બરના રોજ તેમના વતન મેસપર (તા. ગોંડલ) ખાતે ખેતી કામ સબબ તથા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ગયા હતા.
આ કામગીરી પતાવી તેવો ગઈકાલે બુધવારે અહીં પરત ફર્યા હતા અને આવીને જોતા તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. બાદમાં તેઓએ રૂમમાં જઈને તપાસ કરતા આ સ્થળે ઘરવખરીનો તમામ વેરવિખેર હાલતમાં પડ્યો હતો.
આ સ્થળે ફરિયાદી પથુભા જાડેજાના પરિવારજનો દ્વારા રાખવામાં આવેલું રૂપિયા 1,50,000 ની કિંમતનું ત્રણ તોલાનું મંગલસૂત્ર તથા રૂપિયા 6,000 મળી કુલ રૂ. 1,56,000 નો મુદ્દામાલ જોવા મળ્યો ન હતો. આમ, રૂપિયા 1.56 લાખના મુદ્દામાલની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવવાની ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 380, 454 તથા 457 મુજબ ગુનો નોંધી, અહીંના પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


