ડોલ્ફિન દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક આધાર સ્તંભ પ્રજાતિ તરીકે સ્થાપિત છે. જેના સંરક્ષણ અને સંવર્ધન થકી અન્ય તમામ દરિયાઈ જીવસૃષ્ટિ ઓના સ્વસ્થતાનું નિર્ધારણ કરવું શક્ય છે.
ડોલ્ફિન દરિયામાં મુકત રીતે વિચરતી પ્રજાતિ હોવાના કારણે તેનું સર્વેક્ષણ હાથ ધરવું એ એક જટિલ પ્રક્રિયા છે. આથી, આજ દિન પર્યંત સુનિયોજિત રીતે ડોલ્ફિન સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલ ન હતું.
પ્રોજેકટ ડોલ્ફિન અન્વયે આ પ્રજાતિનું વધુ સારી રીતે સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તે હેતુથી બેઝ લાઈન ડેટા એકત્રિત કરવાના આશયથી પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે કચ્છના અખાતમાં આવેલા દ્વારકા આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સર્વેક્ષણ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર મુકામે ડોલ્ફિન સર્વે 2022 માટે ગઈકાલે રવિવારે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મરીન નેશનલ પાર્ક જામનગર દ્વારા એક તાલીમ કાર્યશાળા, સેમિનારનું આયોજન નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર આર. સેનથીલ કુમારન (ભા.વ.સે.) ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું.
ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળના ઓખા તથા પોશીત્રા હેઠળના લાગુ કચ્છની ખાડી વિસ્તાર ખાતે અલગ અલગ વિસ્તારમાં 10 ટીમો દ્વારા તારીખ 12 થી 14 ડિસેમ્બર 2022 સુધી પાયલેટ પ્રોજેક્ટના ધોરણે ડોલ્ફિન ગણતરીની કામગીરી 20 વર્ષથી વધુ સમયગાળા બાદ અને સાયન્ટિફિક રીતે ગુજરાતમાં પ્રથમ વાર કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ ડોલ્ફિન સર્વે 2022 માં મરીન નેશનલ પાર્ક, જામનગરના નેતૃત્વ હેઠળ જામનગર વન વિભાગ તથા દેવભૂમિ દ્વારકા સામાજિક વનીકરણના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપરાંત વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીયા, ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશીંગ ટેકનોલોજી, ડી.કે.વી. કોલેજ, વન્યપ્રાણી વિભાગનાં તથા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા જેવી સંસ્થાઓના વિષય નિષ્ણાતના સહયોગથી તારીખ 12 થી 14 ડિસેમ્બર સુધી ડોલ્ફિન સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
નાયબ વન સંરક્ષક આર. સેનથીલ કુમારન (ભા.વ.સે.) ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સેમિનાર તાલીમ કાર્યશાળામાં નાયબ વન સંરક્ષક વન વિભાગના આર. ધનપાલ, ટાટાના ઓપરેશન ઇન્ચાર્જ હેડ એસ. ચક્રવર્તી, ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર પી.એન. જોષી ( ગુ.વ.સે.) સહિત ઉપરોક્ત સંસ્થાઓ તથા વન વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્કના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા આર.એમ. પટેલ ( ગુ.વ.સે.) જામનગરના પરીક્ષત્ર વન અધિકારી તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.