વિખ્યાત ઉદ્યોગપતિ- ગૌતમ અદાણીને સૌથી મોટા દાનવીર તરીકે ફોર્બ્સ એશિયામાં સ્થાન મળ્યું છે. ફોર્બ્સ એશિયાની હિરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદીમાં તેમને સૌથી વધુ દાન કરનારા ત્રણ ભારતીયોમાં ટોચના ક્રમે સામેલ કરવામાં આવ્યાં છે. મંગળવારે જાહેર કરવામાં આવેલી ફોર્બ્સની 16મી આવૃત્તિમાં શિવ નાદર અને અશોક સૂતાને પણ સામેલ છે. આ સાથે મલેશિયન-ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ બ્રહ્મલ વાસુદેવન અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ફોર્બ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ગૌતમ અદાણીએ આ વર્ષે જૂનમાં તેમના 60માં જન્મદિવસે રૂ. 60,000 કરોડ ($7.7 બિલિયન) દાન પેટે આપવાની ઘોષણા કરી હતી. આ દાનની રકમથી તેઓ ભારતના સૌથી મોટા દાનવીર બની ગયા છે. ગૌતમભાઈ દ્વારા આ રકમ અદાણી ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવી હતી. જેનો ઉપયોગ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં કરવામાં આવશે. આ વર્ષે તેમણે 11,600 કરોડ (USD 142 મિલિયન)નું દાન અદાણી ફાઉન્ડેશનને આપ્યું હતું. દર વર્ષે અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં લગભગ 3.7 મિલિયન લોકોને વિવિધ રીતે સહાયતા કરે છે.
ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી ‘અનરેન્ક્ડ લિસ્ટ’ યાદીમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જેમણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પરોપકારી કાર્યો કે દાન માટે વ્યક્તિગત પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ગૌતમ અદાણી એક પછી એક અનેક વિક્રમો સર કરતા જાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. તો જુલાઈમાં તેમણે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડી દીધા હતા. ત્યારબાદ 30 ઓગસ્ટે તેઓ ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટને પછાડીને ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર પ્રથમ એશિયન બન્યા હતા.